10 વાગ્યા સુધીમાં અમદાવાદ, ભરૂચ સહિતના 12 જિલ્લામાં વોર્નિંગ! જાણો ક્યાં ભારે વરસાદની આગાહ
અમદાવાદ: ગુજરાતમાં વરસાદ માટેની ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય છે. જેના કારણે આગામી પાંચ દિવસ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. તો આજે (26મી ઓગસ્ટ) અમદાવાદ, ખેડા સહિતના 12 જિલ્લાઓમાં વરસાદ માટેની વોર્નિંગ આપવામાં આવી છે. આ સાથે હવામાન વિભાગે આજે આખા દિવસ માટે વડોદરા, ભરૂચ, નવસારી, સુરત, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની સંભાવનાઓ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આજે સવારે 10 વાગ્યા સુધીમાં કચ્છ, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નર્મદામાં રેડ એલર્ટ સાથે વોર્નિંગ આપવામાં આવી છે.
જોકે, ગુજરાત રીજીયન, સૌરાષ્ટ્ર અને કચ્છના આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
અંબાલાલ પટેલ આગાહીમાં જણાવ્યુ હતુ કે, “તારીખ 26 સુધી ગુજરાતના અલગ-અલગ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે. કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થતાં જન-ધનને નુકસાન થઈ શકે છે.” અંબાલાલે કેટલીક સિસ્ટમ બનવાની સાથે તેની અસરથી પણ વરસાદ થવાની આગાહી કરી છે.
વધુમાં અંબાલાલ પટેલે કહ્યુ છે કે, “તારીખ 28 ઓગસ્ટની આસસપાસ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે જે સિસ્ટમનો માર્ગ પણ લગભગ મધ્યપ્રદેશ સુધી અને ગુજરાત સુધી રહેવાની શક્યતાઓ છે.” આ પછી સપ્ટેમ્બરમાં પણ વરસાદ માહોલ યથાવત રહેવાની આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, આજે 26મી ઓગસ્ટે વડોદરા, ભરૂચ, નવસારી, સુરત, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની સંભાવનાઓ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છ સિવાયના ભાગો માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે. આ તારીખે સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં અત્યંત ભારે વરસાદની શક્યતાઓ છે. આ સિવાય સૌરાષ્ટ્ર-કચ્છના બાકી તમામ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે.