સુપ્રીમ કોર્ટે સુરત વેસુ પો. સ્ટે.ના પૂર્વ PI રાવલને 25 હજારનો દંડ ફટકાર્યો
સુપ્રીમ કોર્ટ દ્વારા આગોતરા જામીન મેળવ્યા હોવા છતાંય તે વ્યક્તિની ધરપકડ કરી હોવાના મામલે ગુજરાત પોલીસ વિરૂદ્ધ કન્ટેમ્પ્ટની કાર્યવાહીમાં સોમવારે સુપ્રીમ કોર્ટે ગુજરાત પોલીસના અધિકારીને રૂ. 25 હજારનો દંડ ફટકાર્યો હતો. જસ્ટિસ બી. આર. ગવઈ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે ન્યાયિક અધિકારીની બિનશરતી માફી સ્વીકારી હતી, જેમને પણ આ મામલે તિરસ્કારના દોષી ઠેરવવામાં આવ્યા હતા.
પહેલાથી જ આગોતરા જામીન મેળવનાર વ્યક્તિની પોલીસ કસ્ટડી આપતી વખતે ન્યાયિક અધિકારીને ‘પક્ષપાત’ દર્શાવવા અને ‘ઉચ્ચ હાથે’ વર્તન કરવા બદલ ઠપકો આપતા, સર્વોચ્ચ અદાલતે 7મી ઓગસ્ટે તેમને અને પોલીસ અધિકારીને તિરસ્કાર માટે દોષિત ઠેરવ્યા હતા. સોમવારે સજાના પ્રમાણ અંગેની સુનાવણી દરમિયાન ન્યાયિક અધિકારી દીપાબેન સંજયકુમાર ઠાકર અને પોલીસ અધિકારી આર. વાય. રાવલ કોર્ટમાં હાજર હતા. ગુજરાત તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ બેન્ચને ઉદારતા અને કરુણા બતાવવા વિનંતી કરી અને કહ્યું કે બંને અધિકારીઓએ ભૂલ માટે માફી માંગી છે.
રાવલના વકીલે કહ્યું કે પોલીસ અધિકારીએ કોર્ટમાં તેમની બિનશરતી માફી માંગી છે. ઠાકરના વકીલે જણાવ્યું હતું કે ન્યાયિક અધિકારીનો ન્યાયાધીશ તરીકે ઉત્તમ અને દોષરહિત ટ્રેક રેકોર્ડ છે અને તેમણે પણ બિનશરતી માફી માંગી છે. પરંતુ ખંડપીઠે અવલોકન કર્યું કે રાવલ પર પોલીસ સ્ટેશનમાં લગાવવામાં આવેલા સીસીટીવી ચેડાં કરવાનો અને તે વ્યક્તિને થર્ડ ડિગ્રી ટ્રીટમેન્ટ આપવાનો આરોપ છે.’માત્ર તે સમયગાળા માટે સીસીટીવી ઉપલબ્ધ નથી? તે કેવી બાબત છે… સ્પષ્ટ છે કે તેમણે આવું શા માટે કર્યું.’ સર્વોચ્ચ અદાલત દ્વારા આદેશ પસાર કરવામાં આવ્યો હતો પરંતુ તેમ છતાં વ્યક્તિની સ્વતંત્રતા પર તરાપ મારવામાં આવી હતી. ખંડપીઠે પોલીસ અધિકારીને કહ્યું કે, માફી માત્ર કાગળ પર છે.’ જ્યારે કે બીજી તરફ ખંડપીઠે નોંધ્યું હતું કે,’અમે નમ્ર વલણ અપનાવવા અને તેમની (ઠાકરની) માફી સ્વીકારવા માટે તૈયાર છીએ.’ જોકે, સુપ્રીમ કોર્ટે રાવલ પર 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
આ કેસની હકીકત મુજબ 7મી ઓગસ્ટ ના રોજ સુપ્રીમ કોર્ટે તુષારભાઈ રજનીકાંતભાઈ શાહને આગોતરા જામીન મંજૂર કર્યા હતા, જોકે 8મી ડિસેમ્બર, 2023 ના રોજ સુપ્રીમના આદેશ છતાં ન્યાયિક અધિકારીએ તપાસ અધિકારીની અરજીની નોંધ લીધી હતી અને તેના પોલીસ રિમાન્ડ આપ્યા હતા.