Gujarat

Surat: જન્મથી જ બિમારીથી પીડિત 8 વર્ષના બાળક માટે પોલીસ બની દેવદૂત

Share
  • જન્મજાત બિમારીની સારવાર કરવી ખૂબ જ ખર્ચાળ હતી
  • મજૂરીકામ કરતા ઘરના મોભીને ખર્ચ પરવડી શકે તેમ ન હતો
  • બીમારીનો 3-4 લાખનો ખર્ચ રાંદેર પોલીસે પોતાના શિરે લીધો

સુરતના રાંદેર પોલીસનું ફરી એકવાર માનવતાવાદી રૂપ જોવા મળ્યું છે. રાંદેર વિસ્તારમાં રહેતા મુસ્લિમ પરિવારના જન્મજાત માનસિક દિવ્યાંગતા સાથેના સેરેબ્રલ પાલ્સી અને ડેવલપર ડિલેની બિમારીથી પીડિત 8 વર્ષના દીકરાની સારવાર કરવી ખૂબ જ ખર્ચાળ હતી.

છુટક મજૂરીકામ કરતા ઘરના મોભીને સારવારનો ખર્ચ પરવડી શકે તેમ ન હતો. એવા સમયે બાળક માટે રાંદેર પોલીસ દેવદૂત બનીને આવી અને બીમારીનો 3-4 લાખનો ખર્ચ રાંદેર પોલીસે પોતાના માથે લઈને મુસ્લિમ પરિવારને આર્થિક સંકટમાં જતા ઉગાર્યા છે.

દીકરાની સારવાર માટે ખર્ચ વધારે હતો

આ બીમારીમાં વ્યક્તિના સ્નાયુ તથા જીભ તેમજ શરીરના અન્ય અવયવો યોગ્ય હલન-ચલન કરી શકતા નથી. પરિવારે બાળકની સારવાર માટે પેટે પાટા બાંધીને સારવાર કરી તેમ છતાં અંતે નિરાશા જ હાથ લાગી હતી. પરિવારના મોભી કાપડ માર્કેટમાં છુટક દલાલીનું કામ કરી ઘર ગુજરાન ચલાવે છે. આવકની મોટા ભાગની રકમ દીકરાની સારવારમાં ખર્ચાઈ જતી હતી ત્યારે પરિવાર માટે સારવારના પૈસા ક્યાંથી લાવવા તેની ચિંતા લઈને આવતી હતી.

સારવારના એક સેશનનો 11 હજાર રુપિયા ચાર્જ રહેતો

આ સ્વભિમાની પરિવાર પોતાની રીતે સંઘર્ષ કરી રહ્યો હતો, જેમાં બાળકની દરરોજ ફિઝીયોથેરાપી, ઓક્યુપેશન થેરાપી તેમજ સેન્સનરી ઈન્ટીગ્રેશન થેરાપી જેવી સારવારના સેશન કરાવવા પડે છે અને એક સેશન એક મહિનો ચાલે જેનો 11 હજાર રૂપિયા ચાર્જ અને બેથી ત્રણ વર્ષ સુધી સારવાર શરૂ રહે છે, જેમાં કુલ ત્રણથી ચાર લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય તેમ હતો જે આ પરિવારને પરવડે તેમ ન હતો.

પરિવાર રાંદેર પોલીસ સ્ટેશને મદદની આશાએ પહોંચ્યું

રાંદેર પોલીસની સેવાભાવના વિશે અવારનવાર સાંભળ્યું હોવાથી અંતે પરિવાર રાંદેર પોલીસ સ્ટેશને મદદની આશાએ પહોંચ્યું હતું. પોતાના સંઘર્ષભર્યા જીવનમાં ગમે તેવી નાસ્તિક વ્યક્તિને પણ ઈશ્વર યાદ આવતો હોય છે. ત્યારે પરિવારને દીકરાની સારવાર માટે તબીબની સાથે પોલીસ પણ મદદ કરશે તેવા વિશ્વાસ સાથે રાંદેર પોલીસ સ્ટાફને મળ્યા હતા.

લોકોની સુરક્ષા સાથે લોકસેવા પણ કરવી જરૂરી

પોલીસ ઈન્સ્પેક્ટર એમ.કે. ગોસ્વામીએ જણાવ્યું હતું કે, આજથી બે મહિના પહેલા મુસ્લિમ પરિવાર રાંદેર પોલીસ સ્ટેશન આવીને તત્કાલીન પોલીસ ઇન્સપેક્ટર એ.એસ.સોનારાને મળીને પોતાની મુશ્કેલીની આપવીતી જણાવી હતી. પોલીસ અને પ્રજા વચ્ચે વિશ્વાસનો સેતુ બંધાય એવી ભાવના સાથે લોકોની મદદ અને સુરક્ષા માટે પોલીસ હરહંમેશ તૈયાર રહે છે. લોકોની સુરક્ષા સાથે લોકસેવા પણ કરવી જરૂરી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ઝોન-5ના ના.પોલીસ કમિશનર આર.પી.બારોટ અને એ.સી.પી.(કે ડિવીઝન) બી.એમ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પ્રજા અને પોલીસ વચ્ચે વિશ્વાસનું વાતાવરણ ઉભું થાય એવો અમારો હેતુ રહ્યો છે.

ડૉક્ટરે સેશનની ફી 11 હજારથી ઘટાડી 8 હજાર કરી

વધુમાં જણાવ્યું હતું કે, વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શનમાં માનવીય અભિગમથી પરિવારની શક્ય એટલી તમામ મદદ કરવાનું નક્કી કર્યું. તત્કાલીન પીઆઈ અતુલ સોનારાએ સેકન્ડ પીઆઈ એમ.કે.ગોસ્વામી, સર્વેલન્સ પો.સ.ઈ. બી.એસ. પરમાર, પો.સ.ઈ. પી.જી. ગોહિલ, શી ટીમ અને શી ટીમ ઈન્ચાર્જ પો.સ.ઈ. એચ.બી.જાડેજા, એ.એસ.આઈ. મોહસીન હુસેન સૈયદની ટીમના માર્ગદર્શન સાથે બાળકની સારવાર શરૂ કરવામાં આવી હતી. નાનપુરાના બાળરોગ નિષ્ણાત ડો.ચેતન શાહ સાથે ચર્ચા કરતા તેઓ સારવાર પેટે એક થેરાપી માટે થતો ખર્ચ 11 હજારથી ઘટાડી 8 હજારમાં કરી આર્થિક રીતે મદદરૂપ થયા હતા.

બાળક જન્મ સમયે મોડો રડ્યો હતો

ડો.ચેતન શાહે જણાવ્યું હતું કે, આ બાળક જન્મ સમયે મોડો રડ્યો હતો અને સુગર પણ લો થયું હતું. બાળકના જન્મ સમયે NICU(ધ નેશનલ ઈન્સેન્સેટિલ કેર યુનિટ)માં દાખલ કર્યું હતું. આ કારણોથી બાળકના મગજના વિકાસમાં વિલંબ થાય છે. એટલે સામાન્ય બાળક કરતા આ બાળક ચાલતા અને બોલતા મોડું શીખે તેમજ માનસિક દિવ્યાંગતા સાથેના આ રોગને ડૉકટરની ભાષામાં સેરેબ્રલ પાલ્સી કહે છે. તે સામાન્ય રીતે બાલ્યાવસ્થામાં વિકસતા મગજને નુકસાન થવાથી થાય છે. આ બીમારીની સારવારમાં દવા કે ઓપરેશન હોતા નથી પરંતુ ફિઝીયોથેરાપી, ઓક્યુપેશન થેરાપી અને સમય જતા સ્પીચ થેરાપી, સ્પેશિયલ એજ્યુકેશન થેરાપી થાય છે.

રાંદેર પોલીસે સારવારનો તમામ ખર્ચ પોતાના માથે લીધો

આ બાળકની છેલ્લા ઘણા સમયથી ફિઝીયોથેરાપી ચાલતી હતી. જે ખૂબ જ ખર્ચાળ હોય છે એટલે આ ગરીબ પરિવારને પરવડે તે ન હોવાથી પોલીસના માનવીય અભિગમથી પ્રેરિત થઈને બાળકની સારવારમાં હોસ્પિટલ તરફથી સહયોગ આપીને સહભાગી થયા છીએ અને બાળકની સારવારનો તમામ ખર્ચ રાંદેર પોલીસે પોતાના શિરે લીધો છે એ સરાહનીય છે. પોલીસના સક્ષમ પ્રયત્નો અને સહયોગથી કેવી રીતે સામાજિક સમસ્યાઓનો ઉકેલ લાવી શકાય છે, જેનું આ જીવંત દૃષ્ટાંત કહી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *