હનીફ હાંસોટીને મોતને ઘાટ ઉતારનાર હત્યારાઓ આખરે ઝડપાયા
હાંસોટી સમાજના આગેવાન અને સજ્જન હનીફ હાંસોટીને મોતને ઘાટ ઉતારી દેનાર બેગમપુરાના માથાફરેલા તત્વોની સલાબતપુરા પોલીસે ધરપકડ કરી લીધી છે. અલબત્ત હત્યાનું ષડયંત્ર રચનાર મુખ્ય સુત્રધાર ભૂગર્ભમાં લપાઈ ગયો હોવાથી તેને શોધવા માટે પોલીસે ઘનિષ્ઠ શોધખોળ શરૂ કરી છે.નાની ઘટના ક્યારે મોટું સ્વરૂપ ધારણ કરી લે તે કળવું મુશ્કેલ જ નહી નામુમકીન છે. કોરોના કાળથી રોપાયેલા દૂશ્મનીના બીજ આખરે વટવૃક્ષ બનીને મનુષ્યની હત્યાનું કારણ બની ગયો હતો. લાંબા સમયથી ચાલી રહેલી દુશ્મનીને અંતે ત્રણ દિવસ પૂર્વે માસુમપીરના કબ્રસ્તાન નજીક જ હાંસોટી સમાજના આગેવાન અને સજ્જન હનીફભાઈ હાંસોટી પર મોહલ્લાના ગુંડાતત્વો તુટી પડ્યા હતા તેમાંયે આરીફ મહેમુદ શેખ અને વસીમ આરીફ શેખે (બંને રહે. 306, સિટીઝન પાર્ક, બેગમપુરા, સલાબતપુરા, સુરત) હનીફભાઈને લોખંડના પંચથી ફેંટો ઝીંકીને મોતને ઘાટ ઉતારવામાં ભૂંડી ભૂમિકા ભજવી હતી.આ સાથે જ રિઝ્વાન રફીક શેખ અને એઝાઝ રફીક શેખે (4-2991-92, મુરગવાન ટેકરા, બેગમપુરા, સલાબતપુરા, સુરત) પણ ઢીક-મુક્કીનો માર મારીને હનીફભાઈ હાંસોટીને મોતને ઘાટ ઉતારવામાં ભૂમિકા અદા કરી હતી.આખી ઘટનાનો મુખ્ય સુત્રધાર મહેબુબ ઉર્ફે દાદાભાઈ ફણીવાલા ભૂગર્ભમાં ઉતરી પડ્યો હોવાથી પોલીસે તેની ઘનિષ્ઠ શોધખોળ શરૂ કરી છે. ઘટના બની ત્યારબાદથી સતત એક્શનમાં આવેલી સલાબતપુરા પોલીસ મથકના ઈન્સપેક્ટર કેડી જાડેજા તેમજ એસએ શાહ તેમજ તેમની ટીમે સતત સીટી કેમેરાનું મોનીટરિંગ કરીને આરોપીઓનું પગેરૂં દબાવવામાં સફળતા મેળવી હતી. આ કેસમાં કુખ્યાત ગુંડો મહેબુબ ફણીવાલા વોન્ટેડ છે. પોલીસે તમામ હત્યારાઓના રિમાન્ડ મેળવ્યા છે. માર લો, માર ડાલો પેટર્ન ડાયલોગ બેગમપુરા વિસ્તારમાં હાહાકાર મચાવનાર કુખ્યાત ગુંડા સમાન મહેબુબ ફણીવાલા લડાઈ ઝઘડા કરવામાં અવ્વલ હતો. સાધારણ બાબતમાં મારામારી અને કાપા-કાપી સુધી પહોંચી જતાં મહેબુબનો એક જ પેટર્ન ડાયલોગ હતો કે માર લો, માર ડાલો, મેં દેખ લુંગા, તેના આ વાક્યથી ટપોરી સમાન યુવકોને પ્રોત્સાહન મળતું હતું અને તેઓ સમગ્ર વિસ્તારમાં લુખ્ખાગીરીને અંજામ આપતા હતા.