સુરત: પાનનો ગલ્લો ચલાવતી વૃદ્ધાને હથોડીના ઘા ઝીંકી મંગલસૂત્રની લૂંટ ચલાવનારા ઝડપાયા
સુરત: શહેરના અડાજણ વિસ્તારમાં પાનનો ગલ્લા ચલાવતા વૃદ્ધ પર હુમલો કરી લૂંટ કરવાની ઘટનામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. લૂંટારુઓએ વૃદ્ધા પર હથોડીથી ઘા ઝીંકી મંગળસૂત્રની લૂંટ કરી હતી.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, સુરતના અડાજણ વિસ્તારમાં 2 જૂનના રોજ ટીજીબી હોટલની ગલીમાં એસ.એમ.સી આવાસ બિલ્ડીંગ સામે ગલ્લો ચલાવતા એક વૃદ્ધ મહિલા સાથે લૂંટની ઘટના બની હતી.
આરોપીઓએ વૃદ્ધ મહિલાને છાતીના ભાગે હથોડીના ઘા ઝીંકી ગળામાં પહેરેલ મંગલસૂત્રની લૂંટ કરી હતી અને ગલ્લામાં તોડફોડ કરી હતી.
આ ઘટના અંગે વૃદ્ધાએ અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. આ દરમિયાન બાતમીના આધારે મહીધરપુરા સળીયા માર્કેટ વિસ્તારમાંથી આરોપી ગુલામ મુસ્તફા અહમદભાઈ ભઠીયારા અને મહમદ સાકીર ગુલામ સાબીર ભઠીયારાને ઝડપી પાડવામાં આવ્યા છે.
આ બંને આરોપીઓએ તેના સાગરીત જયેશ ગુર્જર અને ભદ્રેશ કહાર સાથે મળી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. હાલ તો પોલીસે ગુલામ મુસ્તફા અને મહમદ સાકીર ગુલામ સાબીર ભઠીયારાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પકડાયેલા આરોપી ભૂતકાળમાં આ પ્રકારના કોઈ ગુનામાં ચંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.