વક્ફ બોર્ડ બિલ પર ફસાઈ મોદી સરકાર, નીતિશ કુમારે આપ્યો ઝટકો
નરેન્દ્ર મોદી સરકારના વકફ સુધારા બિલને લોકસભામાં સમર્થન અને બચાવ કર્યા બાદ કેન્દ્રીય મંત્રી લલન સિંહ સોમવારે પટનામાં મુસ્લિમ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ જનતા દળ યુનાઇટેડ (JDU)ના પ્રદેશ અધ્યક્ષ ઉમેશ કુશવાહાએ કહ્યું છે કે, બિલ પર બનાવવામાં આવેલી સંયુક્ત સંસદીય સમિતિ (JPC)માં JDUના પ્રતિનિધિઓ મુસ્લિમોની ચિંતાઓ ઉઠાવશે.
31 સભ્યોની JPCમાં JDU તરફથી સુપૌલના સાંસદ દિલેશ્વર કામૈત સભ્ય છે. સમિતિની પ્રથમ બેઠક થઈ ગઈ છે. જેમાં વિરોધ પક્ષોએ વકફ બોર્ડમાં બિન-મુસ્લિમોની નિમણૂકનો સર્વસંમતિથી વિરોધ કર્યો હતો. પહેલી બેઠકમાં કામૈતે કહ્યું હતું કે, જેડીયુ બિલને લઈને ચિંતિત મુસ્લિમો સાથે વાત કરી રહી છે, એટલા માટે તે આગામી બેઠકમાં પોતાની વાત રજૂ કરશે.
સરકાર ધર્મમાં કોઈ દખલ નથી કરી રહી, પરંતુ જો સંસ્થામાં ભ્રષ્ટાચાર હોય તો…
લોકસભામાં લલન સિંહે બિલ પર વિપક્ષના પ્રહારો પર જવાબ આપતા કહ્યું હતું કે, “વિપક્ષ ગુરુદ્વારા અને મંદિરનું ઉદાહરણ આપી રહ્યા છે, પરંતુ વકફ કોઈ ધાર્મિક સ્થળ નથી, તે એક સંસ્થા છે. અને સરકાર ધર્મ અંગે કોઈ પણ દખલગીરી નથી કરી રહી, પરંતુ જો સંસ્થામાં ભ્રષ્ટાચાર છે તો તે દખલ કેમ ન કરી શકે.?”
કોઈ ખોટું થવા દેવામાં નહીં આવે,નીતિશે મુસ્લિમોને આશ્વાસન આપ્યું
જેડીયુ ક્વોટામાંથી કેન્દ્રીય મંત્રી લલન સિંહ વતી વકફ બિલના બચાવને લઈને કેટલાક મુસ્લિમ સંગઠનોના નેતાઓએ પટનામાં પાર્ટી અધ્યક્ષ અને મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે મુલાકાત કરી હતી. મુસ્લિમ નેતાઓએ નીતિશ સામે જેડીયુના સ્ટેન્ડ પર તેમની નારાજગી વ્યક્ત કરી હતી, અને બિલ પર તેમના વાંધાઓ જણાવ્યા હતા. નીતિશે મુસ્લિમોને આશ્વાસન આપ્યું હતું કે, કશું ખોટું થવા દેવામાં આવશે નહીં.”