Gujarat

વરાછામાં આધેડની હત્યા કરનાર 65 વર્ષના વૃધ્ધને ચાર વર્ષની કેદની સજા

Share

સુરત શહેરમાં આવેલા વરાછા વિસ્તારમાં વર્ષ 2020માં આધેડની થયેલી હત્યા પ્રકરણમાં વૃદ્ધ આરોપીને કોર્ટે સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ કસૂરવાર ઠેરવીને 4 વર્ષની કેદની સજા અને 1 હજાર રૂપિયાનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.

કેસની વિગત એવી છે કે સુરત શહેરના વરાછામાં ધરમનગર રોડ પર 52 વર્ષીય પોપટભાઈ દંતાણી રહેતા હતા. આરોપી 65 વર્ષીય સાગરગિરી મણીલાલ દંતાણી વરાછામાં સૌરાષ્ટ્ર સોસાયટીની વાડીના સર્કલ પાસે રતનજી નગરની સામે ફુટપાથ પર રહેતો હતો.

દાન-દક્ષિણામાં મળેલી રકમથી પોતાનું ગુજરાન ચલાવતો હતો. પોપટભાઈ અને સાગરગિરી એકબીજાને સારી રીતે ઓળખતા હતા. તેઓ નિયમિત એકબીજાને મળતા હતા. એકબીજાને મદદ પણ કરતા હતા. કોરોનામાં પોપટભાઈને રૂપિયાની જરૂર પડતા તેઓએ સાગરગિરી પાસેથી ઉછીના 25 હજાર રૂપિયા લીધા હતા. નવેમ્બર 2020માં સાગરગિરીએ પોપટભાઈ પાસેથી રૂપિયા પરત માંગતા તે મુદ્દે બંને વચ્ચે ઝઘડો થયો હતો. બંનેએ લાકડાથી એકબીજા પર હુમલો કર્યો હતો. હુમલામાં પોપટભાઈને ગંભીર ઇજા થતા તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પોલીસે આરોપી સાગરગિરી વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી હતી.

કોર્ટે સાપરાધમનુષ્ય વધનો ગુનો ગણ્યો

પોલીસે આરોપી વિરુદ્ધ ચાર્જશીટ પણ રજુ કરી હતી. સરકાર તરફે એપીપી એન.એમ.ચોડવડિયાએ દલીલો કરી હતી. બંને પક્ષોની દલીલો, સાહેદોની જુબાની અને મેડિકલ સર્ટિફિકેટના આધારે કોર્ટે નોંધ્યું કે આ હત્યાનો બનાવ નથી પરંતુ સાપરાધ મનુષ્યવધ છે. તેથી કોર્ટે આરોપી સાગરગીરીને સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ કસૂરવાર ઠેરવીને ચાર વર્ષની કેદ અને 1 હજાર રૂપિયા દંડનો હુકમ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *