સુરત બિનવારસી 1100 મૃતદેહોના અંતિમ સંસ્કાર બાદ મોક્ષયાત્રા, હરિદ્વારમાં અસ્થિ વિસર્જન કરી પુષ્કરમાં મુક્તિ પૂજા
સુરતમાં વર્ષોથી બિનવારસી મૃતદેહોનું કોઈ પણ નાત, જાત કે ધર્મ જાણ્યા વગર અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. ત્યારે આ કાર્ય સાથે સંકળાયેલા એકતા ટ્રસ્ટ દ્વારા 1100 જેટલા બિનવારસી મૃતદેહોના અસ્થિઓનું હરિદ્વારમાં ગંગા નદીમાં વિસર્જન કરી રાજસ્થાનના પુષ્કરમાં ભગવાન ભોળાનાથના મંદિરમાં મુક્તિ અર્થે પૂજા કરાશે.
ગંગામાં અસ્થિ વિસર્જન
સુરતમાં વર્ષોથી બિનવારસી લાશોના અંતિમ સંસ્કાર કરતી એકતા ટ્રસ્ટની ટીમ દ્વારા મૌક્ષ યાત્રા એટલે કે અસ્થિ યાત્રા કરાનાર છે.
આ અંગે એકતા ટ્રસ્ટના અબ્દુલ રહેમાનભાઈ મલબારીએ કહ્યું કે, તેઓની સંસ્થા એકતા ટ્રસ્ટ દ્વારા વર્ષોથી નાત, જાત અને ધર્મના વાડાની ઉપર જઈ બિનવારસી લાશોનુ અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે 1100 જેટલી બિનવારસી લાશોની અસ્થિઓનું ગંગામાં હરિદ્વાર જઈ વિસર્જન કરાનાર છે.
ટ્રેનમાં અસ્થિ લઈ જવાશે
એકતા ટ્રસ્ટના અબ્દુલભાઈ મલબારીએ વધુમાં કહ્યું કે, એકતા ટ્રસ્ટ દ્વારા 28મી ઓગષ્ટ બુધવારના રોજ સુરતથી ટ્રેન મારફતે પહેલા હરિદ્વાર જવાશે. જ્યાં પવિત્ર ગંગા નદીમાં અસ્થિઓ પધરાવાશે. ત્યારબાદ રાજસ્થાનના પુષ્કર ખાતે ભગવાન ભોળાનાથના મંદિરે જઈ બિનવારસી લાશોની મુક્તિ અર્થે પુજા વિધી કરાશે.