સુરતના ખાડાની સમસ્યાથી કંટાળ્યા ભાજપના MLA, કર્યું આ કામ
સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ લોકોની સમસ્યાઓને લઈને અનેક વખત અવાજ ઉઠાવ્યો છે. પોતાની સરકાર કે પછી SMCને પત્રો લખ્યા છે. આ દરમિયાન વરસાદને કારણએ લોકોને પડતી સમસ્યાને લઈને કુમાર કાનાણીએ સુરત મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે. વરાછાના ધારાસભ્ય કુમાર કાણાનીએ ખાડાના ત્રાસને લઈ તેઓએ સુરત મ્યુ.કમિશનરને પત્ર લખ્યો છે. પત્રમાં ધારાસભ્ય કુમાર કાનાણીએ કહ્યું છે કે, હાલ ચોમાસા દરમ્યાન થયેલા વરસાદના કારણે લોકો સહન ના કરી શકે તેવા અસહ્ય ત્રાસદાયક રસ્તાઓનું ધોવાણ થયું છે.
અને શહેરમાં ખાડાઓનું સામ્રાજ્ય ઉભું થયું છે. જે સહન કરી શકાય તેમ નથી. ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા સિગ્નલ ચાલુ કરેલ છે તેનો લોકો અમલીકરણ પણ કરી રહ્યા છે. પરંતુ 60 સેકન્ડ સિગ્નલ ખુલે તો ખાડાઓમાં લોકોની ગાડી ચાલતી જ નથી. થોડી ગાડીઓ સિગ્નલ પસાર કરે કે તરત જ સિગ્નલ બંધ થઈ જાય છે. તેના કારણે ટ્રાફિક પણ અસહ્ય થાય છે. અને સિગ્નલનો હેતુ પણ રહેતો નથી. લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. છતા સુરત મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર મૂર્છા અવસ્થામાં છે. ઉંઘી રહ્યું છે. જે ખુબ જ દુઃખદ બાબત છે. તો યુધ્ધના ધોરણે રીપેર કરવા મારી માંગણી છે.
કુમાર કાનાણીએ આ કોઈ પહેલી વાર નથી પત્ર લખ્યો. લોકોની સમસ્યા મામલે સતત સરકાર અને તંત્રને અનેક વખત અરીસો બતાવી ચૂક્યા છે. સરકારી બાબુઓને અનેક વખત ભિસમાં લઈ ચૂક્યા છે. તો બીજી તરફ લોકસભાની ચૂંટણી દરમિયાના ભાજપના ભરતી મેળા પર સવાલો કરી ચૂક્યા છે.