ઓલપાડ કોલેજ ખાતે ઉન્નત ભારત અંતર્ગત અભિમુખતા કાર્યક્રમ
યોજાયો.શ્રી પી.કે. દેસાઈ કેળવણી મંડળ સંચાલિત સુરત જિલ્લા સહકારી બેંક કોમર્સ કોલેજ અને શ્રી સાયણ સહકારી ખાંડ ઉદ્યોગ આર્ટસ કોલેજ ઓલપાડ ખાતે શનિવારે ઉન્નત ભારત અભિયાન અંતર્ગત એસ.વી એન.આઇ.ટી. સુરત અને કોલેજના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં એસ.વી.એન.આઇ.ટી. ના અધ્યાપકો તેમજ મંડળના માનદ મંત્રી અને સહકારી અગ્રણી શ્રી વસંતભાઈ પટેલ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.શિક્ષિત ભારત -સ્વસ્થ ભારત- સ્વચ્છ ભારત- સ્વાવલંબી ભારત- સંપન્ન ભારત ના મંત્રને ઉજાગર કરતું ઉન્નત ભારત અભિયાન જેમાં ઓલપાડ તાલુકામાં આવેલ ઓલપાડ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ આ અભિયાન અંતર્ગત તાલુકાની નોડલ એજન્સી છે. અને તેના અંતર્ગત ઓલપાડ તાલુકાના પાંચ ગામોને સહયોગી ગામો તરીકે તેના સમગ્રલક્ષી વિકાસ માટે નક્કી કરાયા છે.ત્યારે શનિવારના દિવસે ઓલપાડ સ્થિત આવેલા આર્ટ્સ અને કોમર્સ કોલેજમાં અસરકારક અભિમુખતા કાર્યક્રમ યોજાયો હતો. કોલેજના કાર્યકારી આચાર્ય ડો. રાજેશ પટેલે મહેમાનોનું આવકાર સંબોધન કર્યું હતું. તેમણે શિક્ષણ ઉપરાંત ઇનોવેશન ઉપર વિદ્યાર્થીઓને ભાર આપવા જણાવ્યું હતું. આ પ્રસંગે એસ.વી.એન.આઇ.ટી.માંથી પધારેલા અને ઉન્નત ભારત અભિયાનના કોર્ડીનેટર ડૉ.કૃપેશ ચૌહાણે વિદ્યાર્થીઓને ઉન્નત ભારત અભિયાન અને તેના કાર્ય વિશે પરિચય આપ્યો હતો અને જણાવ્યું હતું કે ડિજિટલ ઇન્ડિયા દ્વારા વિદ્યાર્થીઓએ ખેડૂતોને માર્ગદર્શન આપીને તેમનો સામાન સીધો લોકો સુધી પહોંચે અને માર્કેટ મળી રહે અને ખેડૂતોને વધારે નફો મળે એ માટે જાગૃત બનવાની જરૂર છે. આ ઉપરાંત વોકલ ફોર લોકલ ઉપર પણ તેમણે ભાર મૂક્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત ડો. વિક્રમ રાઠોડ એસ.વી.એન.આઇ.ટી. સુરત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જેવી રીતે મહેસાણા જિલ્લાનું મોઢેરા ગામ ગુજરાતનું પ્રથમ સોલાર ગામ બન્યું છે તેવી જ રીતે આપણે પણ આપણા પ્રાંત પ્રકલ્પો જેવા કે પૃથ્વી તત્વ, જળ તત્વ, અગ્નિ તત્વ વગેરેનો ઉપયોગ કરીને આ ક્ષેત્રે આગળ વધવાની જરૂર છે. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત ઓલપાડ તાલુકાના સરસ ગામ ખાતે પ્રાકૃતિક ખેતી કરનાર પ્રગતિશીલ ખેડૂત રાજદીપભાઈ પટેલે વિદ્યાર્થીઓને ખમીરવવંતુ ભાષણ આપી ખેતી અંગે જાગૃત કર્યા હતા. અને હાલમાં યુરિયા ખાતર દ્વારા ખેત ઉત્પાદનો અને શાકભાજી ઉપર જે આડઅસર થઈ રહી છે તેનો સ્વીકાર ન કરવા અને પોતાના જ ઘરે ટેરેસ ગાર્ડનિંગ અને ટેરેસ ખેતી કરીને ઘરની શાકભાજીનો ખર્ચ બચાવવા ઉપર પ્રેરણાત્મક સંબોધન કર્યું હતું. રાજદીપભાઈએ પ્રકૃતિ પ્રત્યે પ્રેમ જગાડવા માટે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું. વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બની પોતાના પરિવારને મદદરૂપ બનવા ઉપર હાકલ કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત અન્ય એક પ્રગતિશીલ ખેડૂત ઓલપાડ તાલુકાના આંધી ગામેથી આવેલ કિરીટભાઈ પટેલે પણ વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતી ના ફાયદા જણાવ્યા હતા. કાર્યક્રમની આભાર વિધિ ઓલપાડ કોલેજના ઉન્નત ભારત અભિયાનના કોર્ડીનેટર અને ઇતિહાસ વિભાગના અધ્યક્ષ ડો.એન. કે. રાઠોડે કરી હતી. સમગ્ર કાર્યક્રમ ઇતિહાસ વિભાગના અધ્યક્ષ ડો. એન. કે.. રાઠોડ ની રાહબરીમાં સુંદર રીતે યોજાયો હતો કાર્યક્રમમાં કોલેજના ઉપાચાર્ય પ્રોફેસર આર. બી. ઢીમર હિન્દી વિભાગના અધ્યક્ષ પ્રોફેસર દક્ષાબેન કોન્ટ્રાક્ટર તેમજ કોલેજ પરિવારના સૌ સભ્યો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે સુરતની એસ.વી.એન.આઇ.ટી.માંથી પણ અનેક વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ઇતિહાસ વિભાગના અધ્યાપક ડો. પ્રવીણ ચૌધરીએ કર્યું હતું. અને સૌ રાષ્ટ્રગીત ગાઈ ને છૂટા પડ્યા હતા.