લેન્ડગ્રેબીંગની અરજી દફતરે કરવા બદલ સુરત કલેકટર સહિત બે આરોપીને કોર્ટનું સમન્સ
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના સરભોણ ગામની વારસાઈ જમીન હડપવા અંગે બે આરોપીઓ વિરુધ્ધ કરેલી લેન્ડગ્રેબીંગ અંગે નવસારીના વિધવા મહીલાની અરજી દફતરે કરતા સુરત જિલ્લા કલેકટરેટ તંત્રના હુકમથી નારાજ થઈને ફરિયાદીએ સુરતની સેશન્સ કોર્ટમાં કરેલી ક્રીમીનલ ઈન્કવાયરી કેસમાં એડીશ્નલ સેશન્સ જજ આર.આર.ભટ્ટે સ્પેશ્યલ લેન્ડગ્રેબીંગ કેસ તરીકે નોંધીને આરોપીને સમન્સ ઈસ્યુ કરવા હુકમ કરી વધુ સુનાવણી તા.25 સપ્ટેમ્બર સુધી મોકુફ રાખી છે.
નવસારી ખાતે સહાયક ટાઉન પ્લાનીંગ ડ્રાફ્સમેન તરીકે નોકરી કરીને નિવૃત્ત જીવન ગાળતા ફરિયાદી વિધવા મહીલા દેવીયાની બેન અનિરુધ્ધ દેસાઈના મૃત્તક પિતા અરવિંદભાઈની માલિકીની જમીન બારડોલી તાલુકાના સરભોણ ગામના બ્લોક નં.535 ખાતા નં.18માં જુની શરતની જમીન તેમના પિતાના નિધન બાદ વારસાઈ હક્કથી પ્રાપ્ત થઈ હતી.જે અંગે વારસાઈ રેવન્યુ રેકર્ડમાં જાન્યુઆરી-2021માં ફરિયાદીના પિતાના નિધન બાદ નોંધ નં.7879થી નોંધાઈ હતી.તેમ છતાં આરોપી પ્રેમીલાબેન માધુભાઈ નાયકા તથા દિપક માધુ નાયકા(રે.સરભોણ તા.બારડોલી)એ ફરિયાદીની વારસાઈ જમીનમાં તેમના સગા જયંતિભાઈ છોટુભાઈ નાયક તથા રાજુ દયાળજી મિસ્ત્રીને પ્રવેશતા અટકાવીને ગેરકાયદે કબજો જમાવ્યો હતો.વધુમાં આરોપીઓએ આ જમીન અમારી છે અહીં કોઈ આવશો તો ખેતીનું કામકાજ કરવા દઈશું નહીં એવુ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જેથી ફરિયાદી દેવયાની બેને સુરત જિલ્લા કલેકટરેટ તંત્રમાં તા.11-4-22ના રોજ ઓનલાઈન અરજી કરીને લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ આરોપીઓ વિરુધ્ધ ગુનાઈત ફોર્જરી ઠગાઈના કારસા અંગે આક્ષેપ કરતી ફરિયાદ કરી હતી.જો કે સમિતિ દ્વારા આરોપીઓ દ્વારા જુન-1988માં જમીનના મુળ માલિકનું લખાણ રજુ કર્યું હતુ.જેમાં સર્વે નં. કે બ્લોક નંબરનો ઉલ્લેખ નહોતો.તદુપરાંત રેવન્યુ રેકર્ડમાં કબજેદાર કે જમીનમાં તેમના નામ ચાલતા ન હોવાનું બહાર આવ્યું હતુ.પરંતુ લાંબા સમયથી સામાવાળા તેમાં ખેડાણ કરી કબજો ધરાવતા હોવાનું જણાતા ફરિયાદી તથા સામાવાળા વચ્ચે હક્ક –હિસ્સા,કબજાની તકરાર હોઈ તે નક્કી કરવાની સત્તા કોર્ટને હોઈ અરજી દફતરે કરી હતી.
જેથી કલેકટરેટ તંત્રની લેન્ડગ્રેબીંગ કમીટીએ અરજી દફતરે કરતા ફરિયાદી દેવયાનીબેને દેવાંગ દેસાઈ મારફતે પ્રેમીલા બેન નાયકા,દિપક નાયકા તથા સુરત જિલ્લા કલેકટરને પક્ષકાર તરીકે જોડીને સ્પેશ્યલ કોર્ટમાં ક્રીમીનલ ઈન્કવાયરી કેસ કરીને ન્યાય માટે ધા નાખી હતી.ફરિયાદીએ ધી ગુજરાત લેન્ડગ્રેબીંગ (પ્રોહિબીશન )એક્ટની કલમ-9હેઠળ કરેલી ફરિયાદમાં આ મુદ્દે સુરત જિલ્લા કલેકટરની જવાબદારી પણ નક્કી કરવા દાદ માંગી હતી.
જેને વંચાણે લઈને કોર્ટે અગાઉના પુરોગામી જજે લીધેલા કોગ્નીઝન્સ અને સમન્સ ઈસ્યુ કર્યા હતા.પરંતુ શરતચુકથી આ કેસને ક્રીમીનલ ઈન્કવાયરીમાંથી સ્પેશ્યલ લેન્ડ ગ્રેબિંગ કેસમાં પરિવર્તિત કરવાનું રહી ગયું હતુ.જેથી કોર્ટે તેને સ્પેશ્યલ લેન્ડ ગ્રેબીંગ કેસ તરીકે નોંધીને આરોપીને સમન્સ ઈસ્યુ કરી તા.25 સપ્ટેમ્બર સુધી બજીને આવે તેવો નિર્દેશ આપ્યો છે.
FIR વગર ગુના અંગે કોગ્નીઝન્સ લઇને કોર્ટે ટ્રાયલ ચલાવવા આદેશ કર્યો હોય તેવી સંભવતઃ પહેલી ઘટના
નવસારીની વિધવા મહીલાની વારસાઈ જમીન હડપવાના મામલે સુરત જિલ્લા કલેકટરેટના વડપણ હેઠળની લેન્ડ ગ્રેબીંગ કમીટીએ દફતરે કરતા સ્પેશ્યલ કોર્ટને સત્તા છે કે કેમ તે મુદ્દે ફરિયાદી વિધવાએ સુરત જિલ્લા કલેકટરને પણ પક્ષકાર તરીકે જોડીને સુરતની સેશન્સ કોર્ટમાં લેન્ડગ્રેબીંગ એક્ટ હેઠળ ન્યાય માટે ધા નાખી હતી.જેની સુનાવણી બાદ સ્પેશ્યલ કોર્ટે લેન્ડગ્રેબીંગ એક્ટની કાનુની જોગવાઈ તથા ઉચ્ચત્તમ અદાલતોના રજુ થયેલા ચુકાદાને માન્ય રાખીને ગુનાનું કોગ્નીઝન્સ સ્પેશ્યલ કેસ તરીકે નોંધીને સામાવાળા પક્ષકારોને સમન્સ ઈસ્યુ કરવા હુકમ કર્યો છે.સામાન્ય રીતે કલેકટરના અધ્યક્ષસ્થાને મળતી લેન્ડગ્રેબિંગ કમીટી દ્વારા આવા કિસ્સામાં એફઆઈઆર નોંધવા આદેશ આપે છે. ત્યારબાદ સ્પેશ્યલ કોર્ટમાં તે કેસ ચલાવવામાં આવે છે. પરંતુ આ કેસમાં એફઆઈઆર વગર ગુના અંગે કોગ્નીઝન્સ લઈને કોર્ટે ટ્રાયલ ચલાવવા આદેશ કર્યો હોય તેવી પહેલી ઘટના હોવાનું કાનુની વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.