4500 લોકો સાથે રૂ.41 કરોડની ઠગાઈ સંદર્ભે કંપનીના સી.એમ.ડીની ધરપકડ
સુરતના રીંગરોડ વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને બાદમાં વેસુ રાહુલરાજ મોલ પાસે યુનિયન હાઈટ્સમાં ત્રણ કંપની વારાફરતી શરૂ કરી રોકાણની સામે દર મહિને 4% નફો આપવાના બહાને 4500 લોકો સાથે રૂ.41 કરોડની ઠગાઈ કરનાર ચાર પૈકી કોસંબા તરસાડીના વતની એવા કંપનીના સી.એમ.ડી ની ઈકો સેલે ધરપકડ કરી છે.ઝડપાયેલો યુવાન ગુનો નોંધાતા દુબઈ ચાલ્યો ગયો હતો અને ત્યાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સમાં નોકરી કરતો હતો.તેના વિરુદ્ધ લુકઆઉટ નોટિસ ઈસ્યુ થઈ હોય બિમાર માતાપિતાને મળવા તે વાયા નેપાળ ઘરે આવ્યો હતો.
ઈકો સેલના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના રીંગરોડ વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને બાદમાં વેસુ રાહુલરાજ મોલ પાસે યુનિયન હાઈટ્સમાં ત્રણ કંપની એવર ગ્રો ઇન્વેસ્ટર, એવર ગ્રો આઈએમ એલએલપી, એવર ગ્રો આઈએમ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ વારાફરતી શરૂ કરી રોકાણની સામે દર મહિને 4% નફો આપવાના બહાને 4500 લોકો સાથે રૂ.41 કરોડની ઠગાઈ કરનાર કેતન ધનજીભાઈ સોલંકી, હિરેન રવજીભાઈ જોગાણી તેમજ તેમના સાથીઓ દિપક ચંદ્રકાંત શાહ અને રીયાઝ પઠાણ વિરુદ્ધ સપ્ટેમ્બર 2022 માં સૂત્ર ક્રાઈમ બ્રાન્ચમાં મૂળ ગીર સોમનાથના ઉનાના અંજારના વતની અને સુરતમાં જહાંગીરપુરા સગુન રેસિડન્સી 5/બી માં રહેતા 29 વર્ષીય અંકિત બાલુભાઈ જણકાટે ફરિયાદ નોંધાવી હતી.ભેજાબાજોએ ઝીંગા તળાવ, મહાનગરપાલિકામાં પાર્કીંગ કોન્ટ્રાકટ, ટુર્સ-ટ્રાવેલ્સ, સોલાર પ્લાન્ટ, રિસોર્ટ, સ્ટોક માર્કેટ, ફ્રૂટ-ફ્લાવર માર્કેટમાં રોકાણ કરી વળતર આપવાની વાત કરી હતી પણ ક્યાંય રોકાણ કર્યું નહોતું.ઈકો સેલે આ ગુનામાં મોહમંદ રીયાઝ ઉર્ફે રાજુ ઉર્ફે ડોક્ટર ઇબ્રાહિમખાન પઠાણની અગાઉ ધરપકડ કરી હતી.
દરમિયાન, ઈકો સેલે આ ગુનામાં કંપનીના સી.એમ.ડી અને રોકાણકારોને લાવવાનું તેમજ ટીમ મેનેજમેન્ટનું કામ સંભાળતા કેતન ધનજીભાઇ સોલંકી ( ઉ.વ.39, રહે.39, શાલીમાર પાર્ક સોસાયટી, વી.એસ.પટેલ હાઈસ્કૂલ પાસે, તરસાડી, કોસંબા, સુરત ) ને ઝડપી લીધો હતો.કેતન ગુનો નોંધાતા દુબઈ ચાલ્યો ગયો હતો અને ત્યાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સમાં નોકરી કરતો હતો.તેના વિરુદ્ધ લુકઆઉટ નોટિસ ઈસ્યુ થઈ હોય બિમાર માતાપિતાને મળવા તે 15 દિવસ અગાઉ વાયા નેપાળ ઘરે આવ્યો હતો.તેના વિરુદ્ધ આ કંપનીમાં રોકાણ કરાવી ઠગાઈ કરવાના ચાર ગુના આ વર્ષે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે.