Surat: મધ્યાહન ભોજન યોજના અંતર્ગત નાસ્તામાં કાપ મૂકાતા આમ આદમી પાર્ટીનો વિરોધ, સરકારની નીતિ પર ઉઠાવ્યા સવાલ
Surat: સરકારી શાળાના બાળકોને મધ્યાહન ભોજન યોજના (પી.એમ.પોષણ યોજના) અંતર્ગત એક વખતનું ભોજન તેમજ એક વખતનો નાસ્તો આપવામાં આવે છે. તાજેતરમાં જ સરકારે નિર્ણય લીધેલ છે કે, એક વખતના આ નાસ્તામાં કાપ મુકીને હવેથી માત્ર એક વખતનું ભોજન જ આપવામાં આવશે.
આ બાબતે એક તર્ક એવો આપવામાં આવી રહ્યો છે કે, વ્યવસ્થાના ભાગરૂપે તેમજ પૈસા બચાવવા માટે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે.
એવામાં સરકારના આ નિર્ણયને લઈને સુરતમાં આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવ્યો હતો. કલેકટર કચેરી ખાતે રોડ રસ્તાઓ ખાઈ જતા ભાજપના નેતાઓ હવે ગરીબ બાળકોનો નાસ્તો પણ ખાઈ જશે ? જેવા બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો અને આવેદનપત્ર આપ્યું હતું.
1 સપ્ટેમ્બરથી મધ્યાહન ભોજન માટે નવા મેનુનો અમલ, બાળકોને પોષણયુક્ત લીલા શાકભાજી અને કઠોળ પીરસાશે
આમ આદમી પાર્ટી પ્રદેશ મહામંત્રી રાકેશભાઈ હીરપરાએ જણાવ્યું હતું કે, સરકાર રોડ ખાય,રસ્તા ખાય, ખનીજ ખાય, ખાણ ખાય, ગાયના ગોચર ખાય જાય પણ આટલાથી પણ ન ધરાયેલા ભાજપના નેતાઓ હવે બાળકોનો નાસ્તો ખાઈ જવાનો નિણર્ય કર્યો છે. 1 સપ્ટેબર 2024 થી ગુજરાતની સરકારી શાળાના 43 લાખ બાળકોને જે અત્યાર સુધી એક વખતનું ભોજન અને એક વખતનો નાસ્તો આપવામાં આવતો હતો, તેમાંથી એક વખતના નાસ્તા ઉપર કાપ મુકવામાં આવ્યો છે. અમારી આમ આદમી પાર્ટી ગુજરાત વતી સરકારને સવાલ છે કે, તમે રોડ રસ્તાઓ આ બધું ખાવ એમાંથી તમે ધરાતા નથી કે તમારે હવે બાળકોનો નાસ્તો ખાય જવો છે, સરકાર એવો તર્ક આપે છે કે અમે પૈસા બચાવવા માટે આ કામ કર્યું છે.
આ યોજનાને રદ કરવામાં આવે અથવા સ્થગિત કરવામાં આવે. અમારી માંગણી છે કે, બાળકોને પોષણ મળે, ગુજરાત વિધાનસભાના અને લોકસભાના આંકડા જોઈએ તો, ગુજરાત કુપોષણમાં છઠ્ઠા ક્રમે છે. દેશમાં ગુજરાતમાં દર ચોથું કે પાંચમું બાળક કુપોષિત છે અને છેલ્લા 5 વર્ષમાં આ આંકડામાં 4 ઘણો વધારો થયો છે. અમારી માંગણી છે કે આ નાસ્તાની જે યોજના છે મધ્યાહન ભોજનની જે યોજના છે તે પહેલા હતી તે પ્રમાણે જ શરુ રાખવામાં આવે.