સુરતમાં હીરા ચોરીના આરોપીના પરિવારના ચારે ઝેરી દવા પીધાના 7માં દિવસે મહિલાનું સારવાર દરમિયાન મોત
સુરતના હીરા ઉદ્યોગમાં હાલ મંદી ચાલી રહી છે. ત્યારે કારખાનામાંથી હીરા ચોરીના આરોપમાં બે આરોપી પકડાયા હતા. જેથી પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પી લીધી હતી. પોલીસ સ્ટેશન સામે જ ઝેરી દવા પીધા બાદ સારવાર હેઠળ છેલ્લા સાત દિવસથી રહેલી આરોપીની ભાભીનું મોત નીપજ્યું હતું.
હીરા ચોરીમાં નામ ખુલ્યું હતું
મહિધરપુરા વિસ્તારમાં રહેતા વિપુલ દશરથજી મેવાડિયાએ કંપનીમાં 65 લાખ રૂપિયાના હીરાની ઉચાપત કરી હતી.
તેને 5 ઓગસ્ટના રોજ કંપનીમાંથી હીરાનુ એક પેકેટ તૈયાર કરવા માટે આપવામાં આવ્યું હતું. જેની કિંમત 65 લાખ થતી હતી. પોલીસ વિપુલ મેવાડિયાની ધરપકડ કરી હતી અને પૂછપરછમાં તેણે કબૂલ્યું હતું કે, પોતાની પાસેના ચોરીના હીરા દીલીપ કરશન પ્રેમજી વાઢેર અને તેના નાનાભાઈ ગૌતમ ઉર્ફે ગોવુ ઉર્ફે ગવો કરશન વાઢેરને અમુક હીરા વેચ્યા હતા. મહિધરપુરા પોલીસની તપાસમાં દિલીપ વાઢેર અને ગૌતમના નામ ખૂલ્યા હતા અને પોલીસે બંને ભાઈઓની ધરપકડ કરી હતી.
7માં દિવસે મોત
પોલીસે દિલીપ અને ગૌતમના ઘરે સર્ચ કર્યા બાદ 50 જેટલા હીરા કબજે કર્યા હતા. જેના કારણે પરિવારના સભ્યો ગભરાયા હતા અને દિલીપ અને ગૌતમનો મોટો ભાઈ જેન્તી વાઢેરને પણ પોલીસે સ્ટેટમેન્ટ માટે પોલીસ સ્ટેશને બોલાવ્યો હતો. જેથી જેન્તી અને તેની પત્ની કવિતા 21 ઓગસ્ટના રોજ બપોરે મહિધરપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને તેઓ અગાઉથી પોતાની સાથે ઝેર લઈને આવ્યા હતા. પોલીસ કશું પૂછે તે પહેલા જ પોલીસ સ્ટેશન બહાર બંનેએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જ્યાં સાત દિવસની સારવાર બાદ પ્રેમીલાબેન ભીખુભાઈ ગોહિલનું મોત નિપજ્યું હતું.