કાર્યપાલક ઈજનેર ગાંજાવાલા નાં “આશિર્વાદ”થી જૂની મિલ્કત પર જ ગેરકાયદે RCCનાં વધારાના ચાર માળ બાંધી દેવાયા
લોકોના જાન-માલ માટે જોખમી બનેલી મિલ્કતને તાત્કાલિક ઉતારી પાડવા મ્યુનિસિપલ કમિશનરને ફરિયાદ કરાઈ, કોઈ પણ પ્રકારની પરવાનગી વિના જૂની મિલ્કત પર જ બાંધકામ કરાતા સ્થાનિકોના જીવ ભયનાં ઓથાર હેઠળ
સુરત મહાનગરપાલિકાનું સેન્ટ્રલ વખતો વખત વિવાદમાં ઘેરાતું રહે છે. ખાસ કરીને સેન્ટ્રલ ઝોનના શહેર વિકાસ ખાતાની કામગીરને લઈ ભારે હોબાળો થતો રહે છે. હવે સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઈજનેર ગાંજાવાલા ડેપ્યુટી ઈજનેર જી.એસ.રાણા અને આસિસ્ટન્ટ ઈજનેર મોનીક ગઢીયાની સામે ગંભીર પ્રકારની ફરિયાદ મ્યુનિ.કમિશનરને કરવામાં આવી છે.
મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને કરવામાં આવેલી ફરિયાદમાં અરજદારે જણાવ્યું છે કે સુરત શહેરનાં સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નં.8, નોંધ નં.2470 થી વાળી જમીનમાં પ્રથમથી જુનું ગ્રાઉન્ડ ફ્લોર તથા એક માળની મિલકત હાલ હયાત છે. પરંતુ આ મિલ્કતમાં સુરત મહાનગર પાલિકાની કોઈ પણ પ્રકારની કાયદેસ૨ની પરવાનગી, મંજુરી લીધા વિના આ જૂના હયાત બાંધકામ વાળી મિલકત ઉપર જ આરસીસીના વધારાના ચાર માળ બાંધી દેવામાં આવ્યા છે. આ અંગે કોઈ પરવાનગી લેવામાં આવી નથી. કોઈ કાયદેસર પરવાનગી તથા મંજુરી વિના આરસીસીનાં વધારાના ચાર માળ બાંધી દેવાથી મુળ જૂની મિલકત પર બોજો-ભારણ વધી રહ્યું છે. મુળ મિલકતની આવરદા ઘટી જાય અને તેની સ્ટ્રકચ૨૨ કેપીસીટી ઘટી જાય અને ગમે ત્યારે મિલકત પડી જાય અને મોટી દુર્ઘટના થાય તેવી આશંકાઓ નકારી શકાતી નથી.