Gujarat: કૃપયા યાત્રી ધ્યાન દે..ભારે વરસાદથી 56 ટ્રેન રદ, 43 ટ્રેન ડાયવર્ટ
- ગુજરાતમાં મેઘાની ધમાકેદાર બેટિંગ
- વડોદરામાં પાણી ભરાતા રેલવે સેવા પ્રભાવિત
- પશ્ચિમ રેલવેના સીપીઆરઓનું નિવેદન આવ્યુ સામે
27/08/24 ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. સોમવારે તો રાજ્યમાં એક ખૂણો બાકી નહી કે જ્યાં વરસાદ ન પડ્યો હોય. ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારો પાણી પાણી થયા હતા. જો કે હાલમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
કારણ કે મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઇ ગઇ છે. 33 જિલ્લાઓમાં વરસાદને લઇને રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે વડોદરામાં 3 જગ્યા પર પાણી ભરાવાને કારણે રેલવે સેવા પ્રભાવિત થઇ હોવાનું સામે આવ્યુ છે.
વડોદરાના 3 સ્થળે પાણી ભરાતા અનેક ટ્રેનો પ્રભાવિત
પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનમાં 3 જગ્યાઓ પર પાણી ભરાયા છે. પિનોલ, બાજવા અને અનોલી ખાતે રેલવે ટ્રેક પર પાણી ભરાતા અનેક ટ્રેનો પ્રભાવિત થઇ છે. પશ્ચિમ રેલવેએ ટોટલ 56 ટ્રેનો રદ કરી છે જ્યારે 43 ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી છે તેમ પશ્ચિમ રેલવેના સીપીઆરઓ વિનીત અભિષેકે જણાવ્યું.સાથે જ મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે મુસાફરી કરતા પહેલા ટ્રેનોની સ્થિતિ ચકાસવામાં આવે. CPROએ વધુમાં જણાવ્યું કે સ્ટેશનો પર ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયાના માધ્યમથી મુસાફરોને ટ્રેનો વિશેની માહિતી આપવામાં આવી રહી છે.
એસટી બસ સેવા પ્રભાવિત
ગુજરાતમાં ભારે વરસાદના કારણે એસટી બસની સેવા પ્રભાવિત થઇ છે. રાજ્યના 433 રૂટ પર 2081 ટ્રીપો ભારે વરસાદના કારણે રદ કરવામાં આવી છે. મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તરફના રૂટ બસો પ્રભાવિત થઇ છે. ટ્રીપ રદ થતા એસટી નિગમ ને અંદાજિત 35 લાખ રૂપિયાનું નુકસાન થયુ છે.
30 ટ્રેનો રદ્દ
તો બીજી તરફ ગુજરાતમાં ભારે વરસાદના કારણે ટ્રેન સેવા પણ પ્રભાવિત થઇ છે. આ અંગે પશ્ચિમ રેલવે અમદાવાદના જનસંપર્ક અધિકારી જિતેન્દ્ર કુમારે જણાવ્યું કે છેલ્લા ૨ દિવસોમાં ભારે વરસાદના કારણે 30 ટ્રેનો રદ કરવામાં આવી છે. જ્યારે મુસાફરોની સુરક્ષા માટે 36 ટ્રેનોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જ્યારે 16 ટ્રેનોના ભારે વરસાદના કારણે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે.